લઘુતાગ્રંથિમાંથી મુક્ત થાઓ

        કેટલાક લોકો પોતાની જાતને અન્ય વ્યક્તિ કરતાં તરતી ક્ષાની,
અણઆવડતવાળી માને છે. તેઓ માને છે કે બીજા માં શક્તિ છે,
આવડત છે અને પોતાનામાં નથી. તેથી બીજા લોકો આગળ વધી જાય છે અને પોતે પાછળ રહી જાય છે, આવું સતત તેઓને લાગ્યા કરે છે. આવી વ્યક્તિઓ લઘુતાગ્રંથિથી પીડાય છે. વ્યક્તિ જ્યારે લઘુતાગ્રંથિ અનુભવે છે ત્યારે લોકોની સાથે સંપર્ક સાધવાનું ટાળે છે.

        જીવનમાં સફળ થવા માટે લઘુતાગ્રંથિ અવરોધરૂપ બને છે. તેને લીધે વ્યક્તિ પોતાની કોઈપણ રજૂઆત અસરકારક રીતે કરી શક્તી નથી. તેનામાં આત્મવિશ્વાસની કમી વર્તાય છે. પરિણામે વ્યક્તિના સ્વભાવ અને વલણ નકારાત્મક બની જાય છે. જે તેના વ્યક્તિત્વને આકર્ષણ વિહોણું બનાવી દે છે.

 • લઘુતાગ્રંથિ ઉદભવવાનાં કારણો.

 

 • મારૂ કુંટુંબ ખૂબ સામાન્ય છે’, `મારા મમ્મી –પપ્પા સાધારણ ભણેલા છે’, `મારૂ ઘર નાનું છે’, આવા નકારાત્મક વિચારોથી વ્યક્તિ બીજા લોકો સાથે પરિચય કરવામાં સંકોચ અનુભવે છે અને લઘુતાગ્રંથિથી પીડાય છે.
 • જે વ્યક્તિએ જીવનમાં વારંવાર નિષ્ફળતા અનુભવી હોય તેવી વ્યક્તિઓ નિષ્ફળતાને કારણે પડકાર સ્વીકારવાની હિંમત ગુમાવી દે છે. તેમાંથી લઘુતા ઉદભવે છે.
 • `મારામાં જ્ઞાનનો અભાવ છે,’
  `મારો દેખાવ સારો નથી,’ આવા નકારાત્મક વિચાર માનવીમાં લઘુતા લાવે છે.
 • એક વ્યક્તિની નકારાત્મક તુલના બીજી વ્યક્તિ સાથે કરવામાં આવે ત્યારે વ્યક્તિમાં લઘુતા પ્રેરે છે.
 • પોતાના વ્યવસાય ને વફાદાર ન હોય અને સતત વખોડતા હોય ત્યારે લઘુતા અનુભવે છે. ઉદાહરણ તરીકે `હું શિક્ષક બન્યો તેના કરતાં વકીલ બન્યો હોત તો મારૂ . . . . વગેરે નકારાત્મક વિચારોને કારણે ઘણી વ્યક્તિઓ વર્તમાન વ્યવસાયમાં ધ્યાન આપી શક્તી નથી. પરિણામે નિષ્ફળતા પામી લઘુતા અનુભવે છે.
 • જ્યારે કોઈ વ્યક્તિ પૈસાને ખૂબ જ મહત્વ આપે અને પોતાની પાસે પૂરતો પૈસો નથી તેનો રંજ અનુભવે ત્યારે તે લઘુતાગ્રંથિનો શિકાર બને છે.
 • લઘુતાગ્રંથિને કારણે વ્યક્તિત્વને થતું નુકસાન.

 • બડાઈખોર બને છે.

    ઘણી વખત વ્યક્તિ પોતાની લઘુતાગ્રંથિ છુપાવવા બડાઈખોર બની જાય છે. એક ક્ષેત્રમાં લઘુતાગ્રંથિ અનુભવી વ્યક્તિ અન્ય ક્ષેત્રમાં ગુરુતાગ્રંથિ નો શિકાર બને છે. શહેરમાં ભણવા આવેલ ગામડાનો વિદ્યાર્થી જો શહેરમાં લઘુતાગ્રંથિ અનુભવતો હોય તો જ્યારે તે ગામડે જશે ત્યારે બડાશભરી વાતો કરી,
પોતાની લઘુતાગ્રંથિને ગુરુતાગ્રંથિ દ્વ્રારા સમતોલ કરવા પ્રયત્ન કરશે. પરિણામે તે બંને જગ્યાએ એકલો પડી જશે.

 • ઈર્ષાળુ અને આંતર્મુખિ બને છે.

    લઘુતાગ્રંથિ વ્યક્તિમાં ઈર્ષા પેદા કરી શકે છે. દેખાવને કારણે લઘુતાગ્રંથિ ધરાવનાર વ્યક્તિ દેખાવડી વ્યક્તિનું જાણી જોઈને અપમાન કરે કે ઘસાતું બોલે. કોઈ વ્યક્તિ પૈસાને કારણે લઘુતાગ્રંથિનો અનુભવ કરતી હોય તો બીજા પૈસાદારોનું ખરાબ બોલે છે. આવી વ્યક્તિ લોકોથી દૂર રહેવાનુ પસંદ કરે છે અને પરિણામે અંતર્મુખી બની જાય છે.

 • નિરાશાવાદી બની જાય છે.

    ઘણી વ્યક્તિઓ લઘુતાગ્રંથિને કારણે આત્મવિશ્વાસ ગુમાવી દે છે. તે પોતાની શક્તિઓનો ઉપયોગ કરતી નથી. નિષ્ફળતાને પહેલેથી જ સ્વીકારી લે છે અને નિરાશા અનુભવે છે.

 • દલીલબાજ કે ક્રોધી બની શકે છે.

    લઘુતાગ્રંથિને કારણે ઘણી વ્યક્તિઓ વાત-વાતમાં અર્થવિહીન દલીલ કરતાં જોવા મળે છે. પોતાની ગુરુતા સ્થાપવા પ્રયત્ન કરે છે. જો તેમાં નિષ્ફળ જાય ત્યારે તે ઝઘડો કરી બેસે છે. વારંવાર ક્રોધ કરી બેસે છે.

 • આળસુ બની શકે છે.

    લઘુતાગ્રંથિ વ્યક્તિને નવા કામ માટેના પડકારો ઝીલતા રોકે છે. પરિણામે અનેક બહાના કાઢીને કામથી દૂર રહી આળસુ અને બહાનાબાજ બનતા જાય છે.

 • લઘુતાગ્રંથિમાંથી મુક્ત થવાની ટિપ્સ.

 

 1. ઈશ્વર બધાં લોકોને આકર્ષક દેખાવ કે સંપૂર્ણતા આપી ના શકે. પરંતુ દરેક વ્યક્તિમાં કંઈક ખાસ શક્તિ આપે છે. તે શક્તિને ઓળખી તેને વિકસાવો. તમે લતા મંગેશકરને માન આપો છો. તેમના અવાજ ને કારણે, નહીં કે તેઓના દેખાવને કારણે. ખૂબ સામાન્ય દેખાવ છતાં ગાંધીજી, અબ્રાહમ લિંકન વગેરે અમર બની ગયા છે. તમે પણ તમારી શક્તિઓને ઓળખી એનો વિકાસ કરી સદુપયોગ કરશો તો તમે લઘુતાગ્રંથિમાંથી ચોક્કસ મુક્ત થઈ શકશો.
 2. નિષ્ફળતાને સ્વીકારી, પોતાની ભૂલોને સુધારી સફળ થવા સતત પ્રયત્ન કરતાં રહો. નિષ્ફળતા એ સફળતાનું સોપાન.
 3. મારી પાસે જ્ઞાન નથી ` એવો વિચારી છોડી જ્ઞાન મેળવવા પ્રયત્ન કરતાં રહો. તમારાથી વધુ જાણીતી વ્યક્તિઓના સંપર્કમાં રહી નવું જાણતા રહો. દરેક વ્યક્તિને દરેક ક્ષેત્રનું જ્ઞાન હોતું નથી. તેનો ખ્યાલ રાખી વ્યવહારુ બનો. પુસ્તકોને મિત્ર બનાવો.
 4. વ્યક્તિએ પૈસાને સપ્રમાણ મહત્વ આપવું જોઈએ. પૈસો અગત્યનો છ. પરંતુ સર્વસ્વ નથી. હમેંશા યાદ રાખવું જોઈએ કે પૈસાથી કોઈપણ વ્યક્તિ સાચી પ્રતિષ્ઠા, પ્રેમ, લાગણી, બુધ્ધિ, ડહાપણ ખરીદી શકતી નથી. તમારું કામ ઉમદા હશે, બીજાને મદદરૂપ થતાં હશો તો તમને લઘુતાગ્રંથિ
  સ્પર્શ પણ નહીં શકે.
 5. તમારા વ્યવસાયને માનથી જુઓ અને તેમાં આનંદ મેળવો. તમારા વ્યવસાય માટે ગર્વ અનુભવતા શીખો. દરેક વ્યવસાય નું આગવું મહત્વ છે. મહેનતનો કોઈ પર્યાય નથી. તે સ્વીકારી કાર્યશીલ બનો.

   

    આમ, તમારામાં રહેલી દિવ્ય શક્તિઓને ઓળખી સતત તેનો વિકાસ કરવા મંડ્યા જ રહો. તો આજે જ લઘુતાગ્રથિને કહી દો અલવિદા`.

    

પ્રેરક બિંદુ : ઊભા થાઓ અને તમારી અંદર રહેલી દિવ્યતાને પ્રકટાવો. – સ્વામી વિવેકાનંદ

 

 


 

સારા વ્યક્તિત્વ ના સાત દુશ્મનો

    વ્યક્તિત્વના વિકાસની આડે ઘણી વખત આપણી અમુક ટેવો અને નકારાત્મક સ્વભાવ આવતા હોય છે. જો વ્યક્તિ સાચા દિલથી આ નકારાત્મક ટેવો પર વિચાર કરે તો અને તેમાથી મુક્ત થવા પ્રયત્ન કરે તો તે જરૂરીથી પોતાના વ્યક્તિત્વને નિખારી શકે છે. જો વ્યક્તિ પ્રામાણિકપણે પોતાનું મૂલ્યાંકન કરે અને પોતાની નબળી ટેવોને સ્વીકારવાની તૈયારી રાખે અને તેમાંથી મુક્ત થવા પ્રયત્ન ચાલુ રાખે તો તે જરૂરીથી પોતાના વ્યક્તિત્વને સુંદર બનાવી શકે છે. આ નકારાત્મક ટેવોને ઓળખો.

 • તાવળો સ્વભાવ.

    તમે જો અતિ ઉતાવળા સ્વભાવનાં હશો તો ઘણી વખત તમે જાતે જ તમારા વ્યક્તિત્વને
નુકસાન પહોંચાડો છો. ઉતાવળા સ્વભાવથી વિચાર્યા વિના અને ઝડપથી નિર્ણય લો છો અને પછી પસ્તાવ છો. વગર વિચારે બોલી લોકો સાથે સંબંધ બગાડી નાખો છો. ઉતાવળને કારણે ખોટી ખરીદી કરી નાંખો છો, અને પછી તે વસ્તુ બદલાવવા દુકાનના ધક્કા ખાવ છો અને દુકાનદાર સાથે સંઘર્ષમાં ઉતરો છો અથવા અપમાનિત થાવ છો. ઉતાવળમાં સામી વ્યક્તિ પર આંધળો વિશ્વાસ મૂકો છો અને વ્યક્તિને ઓળખવામાં ભૂલ કરો છો. ઉતાવળમાં વગર વિચારે વચનો આપી દો છો અને પછી જાતને તકલીફમાં મુકો છો. આમ, ખોટી ઉતાવળ દરેક રીતે નુકસાનકારક સાબિત થાય છે. તમે ચપળ હોવા જોઈએ, પરંતુ ઉતાવળા નહીં. ખોટી ઉતાવળ એ ચપળતા નથી.

 • આળસ.

    વ્યક્તિમાં જ્યારે આળસ ઘર કરી જાય છે ત્યારે તે પોતાની શક્તિઓને વેડફી નાખે છે. જ્યારે આપણાં કામમાંથી આપણો રસ ઊડી જાય ત્યારે આપણે આળસુ બની જઈએ છીએ. પરિણામે કાર્યને અણગણવા લાગીએ છીએ અથવા વેઠ ઊતરીએ છીએ. રૂટીનથી કંટાળો આવે એ સ્વાભાવિક છે. પરંતુ જગતના દરેક કાર્ય રૂટીન પર આધારિત જ હોય છે. હકીકતનો સ્વીકાર કરી, આનંદિત રહીને કાર્ય કરી, દિવસને સરસ રીતે પસાર કરી, જિંદગીને શા માટે ચેતનવંતી ના બનાવીએ ?
આળસુ નું લેબલ લાગેલું હશે તો તમારું
વ્યક્તિત્વ
નકારાત્મક બની જશે. કલાકો સુધી ટી.વી. પર અર્થવિહીન કાર્યક્રમો જોયા કરવા, અર્થવિહીન રમતો રમ્યા જ કરવી, હદ ઉપરાંત ખાયા કરવું, બેડ પર પર પડ્યા જ રહેવું કે હલકી કક્ષાનું વાંચન કર્યા કરવું . . . આવી ટેવો વ્યક્તિને આળસુ બનાવી દે છે. અર્થવિહીન ગપસપ અને ચર્ચા માણસને નિષ્ક્રિય બનાવી દે છે. આળસથી આપણે જાતે જ નિષ્ફળતાને આમંત્રણ આપીએ છીએ. આળસ ખંખેરી પ્રવૃતિમય જીવન જીવવાથી જ વ્યક્તિત્વ ખીલી ઊઠે છે.

 • ક્રોધ.

    યોગ્ય કારણથી, યોગ્ય સમયે, યોગ્ય વ્યક્તિ સાથે અને યોગ્ય પ્રમાણમાં ક્રોધ આવે તે વ્યાજબી છે. પરંતુ જ્યારે ક્રોધ માનવીનો સ્વભાવ બની જાય છે ત્યારે પોતાને જ નુકસાન પહોંચાડે છે. જ્યારે વ્યક્તિ ક્રોધ કરે
ત્યારે તેનું બ્લડપ્રેશર વધે છે અને હ્રદયને નુકસાન પહોંચે છે. આમ શારીરિક અને માનસિક નુકસાન થાય છે. ઘણી વખત ક્રોધની અસર કલાકો સુધી રહેતી હોય અને ટેન્શન ઉત્પન્ન થાય છે. પરિણામે કાર્ય પણ બરાબર કરી શકતા નથી. ક્રોધમાં ખોટું પગલું લેતા તમને ફકત બે મિનિટ લાગે છે. પરંતુ તેના પરિણામ માંથી મુક્ત થવા ઘણો સમય જતો રહે છે. જ્યારે ગુસ્સો આવે ત્યારે તે જગ્યા એથી થોડો વખત અન્ય જગ્યાએ જઈને બેસો અને મગજને શાંત થવા દો. જ્યાં તમને ખરેખર અન્યાય થતો હોય ત્યાં નિડરતાથી અને મક્કમતાપૂર્વક તમારી વાત રજૂ કરો. પરંતુ ક્રોધને કાબૂમાં રાખો. દલીલબાજીથી દૂર રહો. સમસ્યાનો ઉકેલ આવી ગયા પછી તે વાતને ભૂલી જઇ સંબંધોમાં પ્રેમની મીઠાશ લાવો. કોઈક વખત આપણે હારીને પણ જીતી જતાં હોઈએ છીએ. ક્યારેક ભૂલ થઈ હોય તો સ્વીકારી પણ લો.

 • નિરાશાવાદી વલણ.

    જ્યારે વ્યક્તિ દરેકને નકારાત્મક રીતે જુએ છે ત્યારે તે જીવનની મોજ માણી શકતો નથી. આવી વ્યક્તિઓ હંમેશા દુ:ખી અને નિરાશ હોય છે. ડાયાબિટીસની વાતો કરતાં કરતાં મીઠાઈઓ ખાતા હોય છે. વળી તેને ડાયાબિટીસ હોતી પણ નથી . આવી વ્યક્તિઓ નકારાત્મક વાતો કરી અને અન્યની ફરિયાદો કરી બીજાને કંટાળો આપતી હોય છે. તેઓ વર્તમાનમાં જીવી શકતા નથી. આપણે વર્તમાનમાં જીવતા શીખવું જોઈએ. જીવનની ઊજળી બાજુ જોતાં શીખી અને આનંદના પ્રસંગે આનંદમાં રહેતા શીખો. નિરાશાવાદી વલણને દૂર કરી હકારાત્મક અભિગમ અપનાવી ખુશ રહીએ.

 • અતિભાવુકતા.

    અતિલાગણીશીલ વ્યક્તિઓ નાની મુશ્કેલી સામે પણ નાસીપાસ બની જાય છે. નાની અને અર્થવિહીન બાબતોમાં પણ ખોટું લગાડે છે અને બીજાની સાથે અનુકૂલન સાધવામાં તકલીફ અનુભવે છે. કાલ્પનિક વિચારોથી તમે દુ:ખી થતાં હોય તો તમે વધારે પડતાં ભાવુક છો. આપણી લાગણી ઘવાય તો આપણને ન ગમે. પરંતુ બીજી રીતે વિચારીએ તો વાસ્તવિક્તાનો ખ્યાલ આવે. સામેની વ્યક્તિ તમારી અવગણના કરતી હોતી નથી. પરંતુ સંજોગોને કારણે એમ બન્યું હોય. ભાવુકતા છોડી વાસ્તવવાદી બનો અને વાત-વાતમાં ખોટું ના લગાડો.

 • સ્વચ્છતાનો અભાવ.

    ઘણી વ્યક્તિઓમાં સામાન્ય સ્વચ્છતાનો પણ અભાવ જોવા મળે છે. આજે પાન અને મસાલાના કલ્ચરમાં વ્યક્તિ ગમે ત્યાં થૂકે છે. મોંઘી મોટર અથવા સ્કૂટર ઉપર જનાર પાનની પિચકારી મારે છે અને બીજાઓના કપડાં કે વાહન ગંદા થશે તે વિચારતો નથી. આવી વ્યક્તિઓ ઘણી વખત એજ્યુકેટેડ હોવા છતાં આવું મેનરલેસ બિહેવ કરી બેસે છે. ચોખ્ખાઈ વ્યક્તિના વ્યક્તિત્વ સાથે જોડાયેલી હોવી જોઈએ. મન ફાવે ત્યાં થૂકવું, કચરો ફેંકવો, નાક સાફ કરવું વગેરે અસભ્યતા છે. આ બધી બાબતો સારા વ્યક્તિત્વને નુકસાન પહોંચાડે છે.

 • નિર્ણય કરવાની અશક્તિ.

    અમુક વ્યક્તિઓ પોતે નિર્ણય લઈ શકતી નથી. કોઈ નાના કાર્યમાં પણ નિર્ણયશક્તિનો અભાવ હોય છે. જિંદગીના અમુક ગંભીર બાબતોમાં અનુભવીની સલાહ કે મદદ લેવી જોઈએ. પરંતુ જિંદગીની દરેક વાતમાં વ્યક્તિ પોતે નિર્ણય ના લઈ શકે તો તેને હંમેશા બીજા પર જ નિર્ભર રહેવુ પડે છે. ઘણા નિર્ણયો વાસ્તવિકતાને બદલે લાગણી અથવા આકર્ષણના આધારે લેવાય છે, તેમાં પણ નુકસાન થઈ શકે છે. તમારી શક્તિઓને, તમારા પોતાની રસ, રુચિ નો વિચાર કરી નિર્ણય લેતા શીખો. તમને સ્પર્શતી વાતો માટે નિર્ણય લેવાના શરૂ કરો. તમારા બધા નિર્ણય સાચા ના પણ હોય. પરંતુ અનુભવે તમે સાચા અને યોગ્ય નિર્ણય લેતા શીખી શકશો. અમુક બાબતોમાં અનુભવીની મદદ લઈ, યોગ્ય દિશામાં વિચારતા શીખો. પણ નિર્ણય જાતે લો. વિચારશક્તિને યોગ્ય દિશામાં વિકસાવવાથી તમે નિર્ણય લઈ શકશો.

    ફ્રેન્ડસ , અહી દર્શાવેલ સારા વ્યક્તિત્વના દુશ્મનો – નકારાત્મક ટેવોને ઓળખી તેના પર વિજય મેળવો અને તમારા વ્યક્તિત્વને ખૂબ જ સુંદર બનાવો તેવી શુભેચ્છાઓ .

 

પ્રેરક બિંદુ : ક્રોધ એ નિર્બળતાની નિશાની છે. – દયાનંદ સરસ્વતી

નાવમાંથી મુક્ત થાઓ

    તનાવગ્રસ્ત જીવનશૈલી આધુનિક સમયની દેન છે. ગળાકાપ હરિફાઈ તથા સ્પર્ધાત્મક જીવનમાં સૌ કોઈ ટેન્શનનો ભોગ બની ગયા છે. તનાવગ્રસ્ત થવુ એ આજની જિંદગીમાં જેટલી સામાન્ય બાબત છે, તેટલુ જ મુશ્કેલ તેનાથી મુક્ત થવુ એ છે. તેમ છતાં સૌ કોઈ સમજે છે કે ટેન્શનમાં રહ્યા કરવાથી કોઈ જ ફાયદો થવાનો નથી. છતાં પણ મોટા ભાગના લોકો તનાવમાંથી મુક્ત થઈ શકતા નથી. જો પ્રયત્નો કરવામાં આવે તો ટેન્શનમાંથી મુક્ત ચોક્કસપણે થઈ શકાય છે.

    તનાવમાંથી મુક્ત થવા માટે જરૂર છે દ્રઢ ઈચ્છાશક્તિ અને પ્રામાણિક પ્રયત્નોની. મક્કમ મન કરી નિર્ણય લઈ લો કે ગમે તે થાય, હું તનાવગ્રસ્ત નહીં રહું. એના માટે ટેન્શનને દૂર કરવાના આ ઉપાયોને અમલમાં મૂકી તેનાથી મુક્ત થઈ શકો છો.

 • સ્વાસ્થ્ય પર ધ્યાન આપો.

    તમારી તંદુરસ્તી અને સૌંદર્યની પુરી તકેદારી રાખો. સ્વાસ્થ્ય સારુ બનાવવા અને જાળવી રાખવા માટે સમયસર કસરત કરો. કસરતને જીવનનો ભાગ બનાવી દો. મનગમતી રમત-ગમતમાં ભાગ લો. યોગ-પ્રાણાયામ કરો. સમયસર ખાવા-પીવાની ટેવ પાડો. જેથી શરીરની તંદુરસ્તી જળવાશે. મનના વિકારો દૂર થઈ જશે. જ્યારે ટેન્શન જેવુ લાગે કે તરત જ અન્ય કામમાં પરોવાઈ જાવ. સકારાત્મક વિચારસરણી અપનાવો. મનની સફાઈ પર પણ ધ્યાન આપો. સવાર-સાંજ ખુલ્લી હવામાં એકાદ કિલોમીટર ચાલવા જાવ. કોઈપણ પ્રકારના વ્યસન માંથી મુક્ત થઈ જાવ. તેમજ ઓછામાં ઓછી સાત-આઠ કલાક ઊંઘ જરૂર કરો.

 • આનંદ અને શોખ માટે સમય ફાળવો.

    જ્યારે આપણે નવરા પડીએ છીએ, ત્યારે નકારાત્મક વિચારો હુમલો કરે છે. તેનાથી બચવા તમારા શોખ અને રસરૂચિને જગાડો. મનપસંદ પ્રવૃતિ કરો. સારા પુસ્તકો, મેગેઝીન નું વાચન કરો. લેખન કાર્ય કરવુ, નેટ સર્ફિગ કરવુ, માટીનાં રમકડાં બનાવવા, ફોટોગ્રાફી કરવી, મનગમતા સંગીતના વાદ્યો વગાડો, ગાર્ડનિંગ નો શોખ કેળવો કે કોમેડી ફિલ્મો, ટી.વી. કાર્યક્રમ નિહાળો, ખડખડાટ હસો જેવી પ્રવૃતિ કરો. સતત કાર્યમાં વ્યસ્ત રહેવાથી નકારાત્મક વિચારોથી બચી શકશો. પરિણામે તનાવ તમારાથી દૂર ભાગશે.

 • અમુક બાબતોને સ્વીકારી લો.

    જે બાબતોને તમે બદલી શકો તેમ ન હોવ, તે બાબતને સ્વીકારી લો. જેમ કે પ્રિય વ્યક્તિનું મૃત્યુ, ગંભીર બીમારી, ભ્રષ્ટાચાર જેવી વ્યાપક સમસ્યાઓ વગેરે. આ કાર્ય ખૂબ અઘરું છે. પરંતુ
પરિસ્થિતિ આપણા હાથમાં ન હોય ત્યારે તેને સ્વીકારી ને આગળ વધો. તમારી લાગણીઓને મિત્રો, પરિવાર સાથે વહેંચો. એનાથી હળવાશ અનુભવાશે. અમુક લોકો સાથે વિચારભેદ હોય તો તેની સાથે લાંબી દલીલ ન કરતા મૌન ધારણ કરી લો. કોઈ સાથે ઝગડો થયો હોય તો તમારી ઉર્જા બગાડ્યા વગર તેને ભૂલી જતા શીખો.

 • શાંત જગ્યાએ ચાલ્યા જાવ.

    તનાવથી બચવા માટે પ્રદુષણમુક્ત વાતાવરણમાં સમય વિતાવવા કરતાં શાંતિપૂર્ણ વાતાવરણમાં રહો. જેથી મન શાંત રહે. દરરોજ ના રૂટિનકાર્યમાંથી ક્યારેક રજા લઈ ઘરથી દૂર ચાલ્યા જાવ. પ્રકૃતિના સાનિધ્યમાં જવાનું વધુ પસંદ કરવાથી મન ફ્રેશ થઈ જાય છે. હરો, ફરો, મોજ-મસ્તી કરો. આમ કરવાથી તમો તનાવ ને દૂર કરી શકશો અને શાંતિનો અહેસાસ થશે.

 • મેડિટેશન કરો.

    તનાવને દૂર કરવાનો સૌથી અસરકારક માર્ગ છે – મેડિટેશન. દરરોજ થોડો સમય શાંતિથી બેસી આંખો બંધ કરી શ્વાસોશ્વાસની ક્રિયાને નિહાળો. મનમાં જાગતા વિચારોને સમજો. આ ક્રિયા નિયમિત કરો. શરૂઆતમાં મન ભટકશે. પરંતુ ધીમે-ધીમે શાંત થઈ જશે. આ ક્રિયા દરરોજ કરો. એક અઠવાડીયા બાદ તનાવગ્રસ્ત સ્થિતિમાંથી સંપૂર્ણ મુકત થઈ ચૂકયાનો અહેસાસ થશે. આ પ્રક્રિયાને ઇષ્ટદેવ સાથે પણ જોડી શકો છો. એકદમ સરળતાથી આ ક્રિયા કરવાથી ચોક્કસપણે ટેન્શનમાંથી મુક્ત થઈ જશો.

 • પરિવારને સમય આપો.

    તનાવગ્રસ્ત સ્થિતિમાં પોતાના પરિવારના સભ્યોની સાથે વધુ રહો, વાતો કરો. મિત્રોની સાથે વિચારોની આપ-લે કરો અને હળવા બની જાઓ. સામાજિક કાર્યમાં વ્યસ્ત રહો. જેથી આત્મસંતોષ પણ થશે અને તનાવગ્રસ્ત સ્થિતિમાં છુટકારો મળશે. પાલતુ કુતરાં, બિલાડીની સાથે સમય ગાળો. આમ કરવાથી તમારું મન બહેલાવી શકશો અને એકલતા નહીં અનુભવો.

    આમ, તનાવમુક્ત થવું એ અઘરું નથી. યોગ્ય ઉપાય અને સાચા પ્રયત્નોથી સમસ્યાનો ઉકેલ આવે છે. તનાવગ્રસ્ત રહેવાથી ઉકેલ આવતો નથી એવું દ્રઢપણે માનવા લાગો. મન મક્કમ કરી સંકલ્ય કરો કે મારે હવે તનાવગ્રસ્ત રહેવું નથી. હંમેશા આનંદમાં રહો. હસતાં રહો. ટેન્શનને કહો ગુડબાય.

પ્રેરકબિંદુ :     મનની શાંતિ અનુકૂળ પરિસ્થિતિઓ દ્વારા નહીં, પરંતુ આંતરિક પરિવર્તન દ્વારા         પ્રાપ્ત થાય છે. - મહર્ષિ અરવિંદ

                                                    ઢપને

પ્રભાવશાળી વ્યક્તિત્વ માટેની ટિપ્સ

    દરેક વ્યક્તિ પોતાના વ્યક્તિત્વને પ્રભાવશાળી બનાવવા અને પોતાને લોકપ્રિય બનાવવા સતત પ્રયત્ન કરતો હોય છે. લોકપ્રિયતા વગરનું જીવન ભારરૂપ બની જાય છે. જો આપણે મનુષ્યના અમુક કાર્યને બાજુ પર મૂકી દઈએ તો માણસ અને પશુમાં મોટો તફાવત નથી. અસરકારક વ્યક્તિત્વ સૌ કોઈ ઝંખે છે. અહોં આપેલી ટીપ્સને અનુસરીને હર કોઈ વ્યક્તિ લોકપ્રિય અને પ્રભાવશાળી બની શકે છે. આ ટિપ્સ વાંચવી સહેલી છે. પરંતુ જો તેનો અમલ થાય તો વ્યક્તિત્વને ચાર ચાંદ લાગી જાય ! આ ટિપ્સને અનુસરો અને પ્રભાવશાળી બનો.

 • જીવનમાં પ્રગતિ કરવી છે તો તટસ્થતાપૂર્વક તમારું પોતાનું મૂલ્યાંક્ન જાતે જ કરો.

   

 • કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય ત્યારે હસો નહીં, નહીંતર એક જ ક્ષણમાં તમારું મહત્વ ગુમાવશો.

   

 • દરેક વ્યક્તિને નમ્રતાથી સાંભળો. જો તેના વિચારો પાયાવિહોણા હોય અને તેની વાતમાં રસ ન હોય તો પણ શાંતિથી સાંભળો.
 • વાતચીત દરમિયાન માત્ર તમારી જ વાતો ન કરો.

   

 • જ્યારે કોઈ વ્યક્તિ તમારા માટે ગીફટ લાવે તો તેની પ્રશંસા જરૂર કરો. જો તે તમારી અપેક્ષાથી વિપરીત હોય તો પણ પ્રશંસા કરો.

   

 • જ્યારે ક્યારેય તમારી હાર થાય તો હિંમત રાખો અને ક્યારેય જીત થાય તો પણ નમ્ર રહો.

   

 • તમારી સમસ્યાનું સમાધાન સર્જનાત્મકતા દ્વારા લાવો. તમારી સમસ્યાથી તમારા મિત્રો સાથે સંબંધ ન બગડો.

   

 • તમારી ખરાબ ટેવોની યાદી બનાવી, તેનાથી મુક્ત થવા પ્રયત્ન કરો.
 • આપણે આપણા જીવનનું ધોરણ ઊંચુ લાવી ન શકીએ તો કાંઈ નહીં પણ અન્યોનું જીવન ઊંચું લાવવા પ્રયત્ન કરો. અન્યો સાથે પ્રેમભર્યું વર્તન કરી તેની લઘુતાગ્રંથી ઘટાડવામાં મદદ કરો.

   

 • બીજાને કંઈ પણ કહેવામાં સાવધ રહો કારણ કે અન્યો પણ સમય આવ્યે એવું જ આપણને સંભળાવશે. તેમજ બીજા લોકોને આપણા વિશેનો અભિપ્રાય પણ સારો નહીં આપે.

   

 • કેટલાક લોકો એકના એક વાક્યનું વરંવાર રટણ કરતાં હોય છે. આવી ટેવમાંથી તરત જ મુક્તિ લઈ લો.

   

 • સ્વતંત્ર રીતે વિચારવુ અને મુક્તપણે કાર્ય કરવુ એ જ વિકાસ અને ઉન્નતિનો સ્ત્રોત છે.

   

 • વિશ્વની સૌથી જાદુઇ વસ્તુ પ્રેમ છે. પ્રેમની મદદથી જ સૌની સાથે વ્યવહાર કરો. વ્યક્તિત્વ ને નિખારવા આ કલાને અપનાવો.

   

 • માણસનું સાચું સૌંદર્ય તેના દેખાવમાં નથી. પરંતુ તેના કાર્ય અને સારા ગુણોમાં છે. એટલે જ વ્યક્તિત્વ ખિલવવા વિચારસરણી ને બદલો.

   

 • હકારાત્મક વિચારસરણી કોઈપણ વ્યક્તિત્વ માટે મહત્વની છે. સંકુચિત માનસના લોકોને કોઈ પસંદ કરતું નથી. સકારાત્મક અને તંદુરસ્ત વિચારસરણી અન્યોને પ્રભાવિત કરે છે.

   

 • વારંવાર એકની એક વાત કહ્યે રાખવાથી સામેની વ્યક્તિને અણગમો થાય છે. આ આદતને ટાળો.

   

તમારી જાતને આ પ્રશ્નો પુછો અને વિચારો.

 • શું તમે તમારા બોસની સાથે જેવો વ્યવહાર કરો છો, તેવો જ વ્યવહાર ઘરના સભ્યો સાથે પણ કરો છો?
 • બીજા દ્વારા જ્યારે તમારી લાગણીઓને દુભાવવામાં આવી હોય ત્યારે તમે હસી શકો છો?
 • શું તમે એવી કાળજી લો છો કે તમારાથી કોઇની લાગણીને ઠેસ ન પહોંચે?
 • તમારાથી નાની વ્યક્તિની લાગણીઓને માન આપો છો?

 

પ્રેરક બિંદુ : બધાં વિશ્વને બદલવાની વાતો કરે છે, પોતાને બદલવાનું કોઈ વિચારતું નથી.

                                    – લિયો તોલ્સ્ટોય


 

            કામમાં સંતુષ્ટ અને ખુશ રહો

    આજના સ્પર્ધાત્મક યુગમાં સતત કાર્યમાં વ્યસ્ત રહેવું પડે છે. કોર્પોરેટ જગતમાં ટાર્ગેટમાં કામ કરવું પડે છે. ક્યારેક નિરાશાજનક દિવસો પણ આવતા હોય છે. મોટા ભાગના લોકો પોતાના કામથી
અસંતુષ્ટ જોવા મળે છે. ઘણી વખત સમયસર કાર્ય પુરૂ થતુ નથી. ક્યારેક સહ-કર્મચારી કે બોસનો વર્તાવ આપણને હતાશ કરી મૂકે છે. પરંતુ આ બધી જ પરિસ્થિતિઓ આપણા દ્વારા જ ઉદભવેલી હોય છે. આપણે સામાન્ય રીતે એવુ વિચારીએ છીએ કે પરિસ્થિતી વિપરીત છે. એમ માની મનને મનાવી લઈએ છીએ. પરંતુ શાંત મને વિચાર કરતા સમજાશે કે આ માટે આપણો નકારાત્મક સ્વભાવ જ દોષી હોય છે. દરેક પરિસ્થિતિ આપની ઈચ્છા અનુસાર બનતી નથી. તેમ છતાં સંતુષ્ટ રહેવુ એ ઘણે બધે અંશે આપણા હાથની બાબત હોય છે. એટલા માટે પ્રસન્નતાથી કાર્ય કરવાના ઉપાયો આ મુજબ છે.

દ્રષ્ટિકોણ બદલો.

    મોટા ભાગના લોકો પોતાના વર્તમાન કામથી અસંતુષ્ટ હોય છે. ખરેખર તેઓ પોતે પણ કામની કલાકોમાં જ કાર્ય કરી ઘરે ચાલ્યા જાય છે. કોઈપણ કામ જવાબદારી સાથે ઉપાડી લો, સાથે સાથે તેમાં ખુશી પણ શોધી કાઢો. જે કામ સ્વીકાર્યું હોય તે કામ રચનાત્મક અને પ્રસન્નતાથી કેમ થાય તે પણ જાણી લો. મન, મૂડ વગર કરેલ કામ વ્યર્થ છે. જ્યારે નીરસ કામ પણ રચનાત્મક અને ઉત્સાહથી કરવામાં આવે તો આનંદ મળે છે. પોતાને મહત્વપૂર્ણ સમજવા. સર્વોતમ રીતે કાર્ય કરવાની માનસિકતા અકળામણ અને હતાશામાંથી બચાવે છે. તમારામાં અનેક આવડતો છે જ એમ માની નવી-નવી રીતો અપનાવી કામ કરો. પરિણામે કામમાં સંતોષ આપોઆપ મળશે જ.

કાર્ય પ્રત્યે કૃતજ્ઞ બનો

    તમે તમારા વર્તમાન નોકરી કે કામથી સંતુષ્ટ નથી, તો તમારી આસપાસ જુઓ કે હજારો વ્યક્તિઓ નોકરીઓ માટે ભટકે છે. દિન-પ્રતિદિન બેકારોની સંખ્યા વધતી જાય છે. આવી પરિસ્થિતિમાં વિચારવું જોઈએ કે કમ સે કમ આપણી પાસે રોજગાર તો છે. જેના દ્વારા તમે તમારી અને તમારા પરિવાર માટેની જરૂરિયાતો પૂર્ણ કરી શકો છો. જો આ રોજગાર જ પૂર્ણ થઈ જાય તો ? આ વિચાર જ ડગમગાવી મૂકે છે. બીજી નોકરી સરળતાથી મળતી નથી. માટે જે કાર્ય કરો છો તેમાં જ સંતુષ્ટ રહી પ્રસન્ન રહો. આ વિચાર તમને ખુશી આપશે.

ભૂલોનો સ્વીકાર કરો.

    મોટા ભાગના લોકો સંવેદનશીલ હોય છે. જ્યારે કોઈ જ્વાબદારી સંભાળી કાર્ય કરતાં હો ત્યારે કોઈ ભૂલ પણ થવાનો સંભવ છે. એકાદ ભૂલ થાય તો આત્મવિશ્વાસ ગુમાવશો નહિ. નાનપ અનુભવવાને બદલે વિચારો કે આ ભૂલથી ભવિષ્યમાં ઉતમ કાર્ય કરવાની તક મળી છે. ભૂલોનો સ્વીકાર કરી, તેમાંથી શીખી વધુ કુશળતાથી કાર્ય કરો.

યોગ્ય રજૂઆત કરો.

    કામના સ્થળે જો તમે હેરાન-પરેશાન હોવ, કામમાં મન લાગતું ન હોય, એના માટે કોઈ પરિસ્થિતિ કે વ્યક્તિ જવાબદાર હોય તો સંતુલિત ઢંગથી તમારી સમસ્યાની યોગ્ય રજૂઆત કરો. અન્યાય કે હક્ક માટે પણ બોલવું જરૂરી છે. ઘણાં લોકો ચૂપ રહે છે, કારણ કે કંઇક બોલવાથી સ્થિતિ વધુ બગડતી હોય છે. પરંતુ જ્યારે આવી સ્થિતિથી તમારી કાર્ય શૈલીને અસર પહોંચતી હોય તો અવશ્ય બોલો. વાતને સીધી-સ્પષ્ટ અને સહજ રીતે રજૂ કરતાં શીખો. ડર્યા વગર રજૂઆત કરો. તેનાથી પરિસ્થિતિમાં ચોક્કસ સુધારો થશે. તમે શાંતિનો અહેસાસ કરી શકશો.

સકારાત્મક વિચારસરણી અપનાવો.

    વિષમ પરિસ્થિતિમાં પણ આપણો આત્મવિશ્વાસ ટકાવી રાખતું પરિબળ એટલે સકારાત્મક વિચારસરણી. જે પણ થશે તે આપણી તરફેણમાં જ થશે. આપણે મહેનત કરતાં રહીશું તો પરિણામ સારૂ જ આવશે. દરેક સ્થિતિમાં આ વિચારધારા આપણા મનમાં લગાતાર ચાલવી જોઈએ. જેના દ્વારા આપણને આત્મવિશ્વાસ આવશે. તેથી કામમાં મન લગાવી શકશો.

વાદ-વિવાદ ટાળો.

    વ્યર્થ વાદ-વિવાદ, ફાલતુ વાતોથી આત્મવિશ્વાસની સાથે મિત્રતા અને ટીમ ભાવનાને નુકસાન થાય છે. દરેક કાર્ય સ્થળની એક કાર્ય સંસ્કૃતિ હોય છે અને તે મુજબ જ વ્યવહાર થવો જોઈએ. વ્યર્થ વાતચીત ઉત્પાદનક્ષમતાને તો ઓછી કરે જ છે. તેમજ નિરાશા, ટીકા અને ખરાબ પરિસ્થિતિઓને પણ ઉત્પન્ન કરે છે. ખોટી પરિસ્થિતિઓનો હંમેશા વિરોધ કરતાં પણ શીખો. આવી બાબતોથી દૂર રહીને કાર્ય કુશળ બનો.

મિત્રવત વ્યવહાર રાખો.

    દરેક કર્મચારીઓ સાથે મિત્રતાપૂર્ણ વ્યવહાર કરો. બધાં લોકો સાથે એક સમાન, સારો વ્યવહાર કરો. સહકર્મચારીઓને સહયોગ પ્રદાન કરવાથી ઉતમ વાતાવરણ ઊભુ કરી શકશો. સહકર્મચારીઓની વચ્ચે જ્યારે માન-સન્માન મેળવી શકશો ત્યારે કાર્યનો આત્મ-સંતોષ થશે.

કામમાં બદલાવ લાવો.

    આજકાલ લગભગ દરેક કર્મચારીની સાથે નવા-નવા પડકાર આવતા જ હોય છે. એમાંય દરરોજ નવી-નવી ટેકનોલોજિ આવી રહી છે. જો એવુ વિચારી બેસી રહેશો કે હવે કશું નવું શીખવું નથી તો આગળ વધવું મુશ્કેલ છે. નવી જવાબદારીઓ અને કાર્યો પ્રત્યે જીજ્ઞાસુ બનો. તેનાથી ભાગવાને બદલે નવી-નવી પધ્ધતિઓ, ટેકનોલોજિ શિખતા રહો તેમજ તમારા કાર્યમાં અપનાવતા પણ રહો. આમ કરતાં રહેવાથી તમારા કામમાં સંતુષ્ટ થશો, સાથોસાથ કામનો આનંદ પણ માણી શકશો.

    આમ, આ પધ્ધતિઓ અજમાવી પોતાના કાર્યને ખુશીથી કરો અને સંતુષ્ટ રહો. ક્યારેક કાર્યમાં બદલાવ લાવો. કયારેક એવુ લાગે કે પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહી છે તો રજા લઈ રિલેક્સ થાવ. કાર્ય સ્થળે ખુશ રહેવાનો અર્થ છે કે દરેક કાર્યને સફળતાપૂર્વક અને બહેતર રીતે કરવું. માત્ર ખુરશી પર બેસવુ કે અમુક કલાકો જ કામ કર્યે રાખવાથી ખુશીઓ મળતી નથી. થોડા સચેત પ્રયત્નો, થોડી સકારાત્મકતા અને થોડી રણનીતિ, આ બધાં થી જ મેળવી શકશો કાર્યમાં ખુશી !

પ્રેરક બિંદુ : નિષ્ઠાપૂર્વક કામ કરો, નામ તમારી પાછળ દોડતું આવશે. – બર્નાડ શૉ