સમયનો સદ્ઉપયોગ કરો

ઘણાં લોકો અસરકારક રોતે સમયનું સંચાલન ન કરી શકવાથી સતત તનાવગ્રસ્ત રહે છે. તેમજ નિષ્ફળતાનો અનુભવ કરવો પડે છે. તમે શ્રેષ્ઠ રીતે કામ કરી શકો એ માટે આખા દિવસમાંથી ચોક્કસ કલાકો શોધીને તેને અનુસરો. ઉત્તમ સમય દિવસની શરૂઆતનો સમય હોય છે. શારીરિક અને માનસિક રીતે તાજા હશો. તેથી શરૂઆતના આ સમયમાં મુશ્કેલ કામ સહેલાઇથી કરી શકશો. દરેક વ્યક્તિની બાયોલોજિકલ કલોક મુજબ કામ કરવાની શ્રેષ્ઠ કલાકો અલગ-અલગ હોય છે. આપણે આપણાં મન અને તનને સાંભળી આ કલાકો નક્કી કરી શકીએ છીએ. સફળતાની ચાવી ઉત્તમ સમયને પકડી લેવામાં છે.

પરંતુ સમયસર કામ પુરું કરવામાં અમુક અડચણો આવતી હોય છે. તેને લીધે કામ અધૂરું રહે છે. તેમજ પેન્ડિંગ કામની યાદી વધતી જાય છે. પરિણામે તનાવ વધે છે. કામની ગુણવત્તા પર અસર થાય છે. આ અડચણોને ઓળખી તેનું યોગ્ય સંચાલન કરવાથી સમયનો મહત્તમ ઉપયોગ કરી શકીએ છીએ.

મુલાકાતીઓ

ઘણાં મુલાકાતીઓ આપણે કામની શરૂઆત કરી હોય ત્યાં જ આવીને વાતોના વડાં કરવા લાગે છે. કલાકો બગાડી નાંખે છે. માત્ર ટાઇમપાસ માટે આવતી વ્યક્તિઓને ઓળખી લો. અગત્યનાં વ્યક્તિ સાથે પણ ટૂકમાં, મુદાસર વાત કરી મુલાકાત પૂર્ણ કરી શકાય. ખાસ પ્રોજેકટ કે મીટીંગની તૈયાર કરી રહ્યા હોવ ત્યારે શાંત જગ્યાએ જઈ કામ આગળ ધપાવો.

 

મીટીંગ

મીટીંગ હમેંશા મુદાસર અને ટૂંકી હોવી જોઈએ. ચોક્કસ સમયે પૂર્ણ કરવી તેવી રૂપરેખા હોવી જોઈએ. અગાઉથી જ ડાયરીમાં નોંધ કરી લો કે મીટીંગમાં ક્યાં મુદાની ચર્ચા કરવી. મીટીંગ પૂર્ણ થયે તેમાંથી કંઈક સુધારા, સૂચનો મળવા જોઈએ. જો સમયસર પૂર્ણ ન થાય, તેમજ બિનજરૂરી મુદાઓ પર નકામી ચર્ચા થયે રાખે તેવી મીટીંગ માત્ર સમયનો બગાડ છે. આવી મીટીંગને તરત જ પૂર્ણ કરવી જોઈએ.

ટેલિફોન

આજના આધુનિક સમયમાં ટેલિફોન અને મોબાઈલ સમયસર કામ પૂરું કરવામાં મોટી અડચણ છે. જિયારે ખૂબ જ અગત્યનાં કામમાં કે ઓફિસ પર હોવ ત્યારે મોટે ભાગે ફોન પર વાત કરવાનું ટાળો. રૂટિન કામ પર હોવ ત્યારે ફોન પર ટૂંકી વાત કરી વાત પૂર્ણ કરો. કોઈને SMS  કે ફોન કરવાના હોય તો સાંજે નવરાશના સમયમાં કરો. સગાં-સંબંધી તથા મિત્રોને તમારી ઓફિસ કે કામની કલાકો દરમિયાન ફોન ન કરવા સૂચના આપી દો. આમ કરવાથી ઓફિસની કલાકોમાં ઘણો સમય બચશે. તેનો ઉપયોગ કામ પૂર્ણ કરવામાં લગાડી દો. આનાથી તમારી કાર્યક્ષમતા વધશે. હમેંશા અગત્યના કામને અગ્રતા આપો.

ઈમેલ

ઓફિસમાં બેઠા હોઈએ ત્યારે ઈમેલ આવે કે તરત જ આપણે ચેક કરવા બેસી જઈએ છીએ. ના… આમ કરશો નહીં. આખા દિવસમાં આવી રીતે ઇમેલ ચેક કરતાં રહશો તો બે થી ત્રણ કલાક બગડશે. કામમાં એકાગ્રતા પણ જળવાશે નહીં. જો તમારે P.A. હોય તો તેને જ ઈમેલ ચેક કરવા કહો અને માત્ર અગત્યના જ ઈમેલ તમને આપે તે કહો. જો તમે જાતે જ ઈમેલ ચેક કરતાં હો તો આખા દિવસમાં માત્ર એકાદ કલાક જ તેના માટે ફાળવો. આ સમયમાં ઈમેલના જવાબ પણ આપી દો. હમેંશા તમારું ઈનબોક્સ ખાલી જ રાખો. જેથી અગત્યના ઈમેલ પર ધ્યાન આપી શકો. અગત્યના ઈમેલને સેવ કરવા વિવિધ ફોલ્ડર બનાવી તેમાં જ કેટેગરી મુજબ ઈમેલને સેવ કરી લો.

·        સમયના સદ્ઉપયોગ માટેની જરૂરી ટિપ્સ.

કરવાના કામની યાદી બનાવો.

ઘણી વખત અગત્યનું કામ રહી જાય છે. તે રહી ન જાય તે માટે કરવાના કામની યાદી દિવસ અને મહિના પ્રમાણે અગ્રતાના ક્રમમાં ગોઠવો. કેટલાક લોકો યાદીને 1થી 5 નંબર આપે છે. 1 નંબર ને સૌથી વધુ અગત્યનું કામ માનવામાં આવે છે. તે પ્રમાણે કામનો નિકાલ કરો.

પર્સનલ ધ્યેય નક્કી કરો.

આવતા એક વર્ષમાં મારે શું બનવું છે? શું વિકાસ કરવો છે? શું સિધ્ધી પ્રાપ્ત કરવી છે? તે નક્કી કરો. તેને સાકાર કરવા સમયનું શ્રેષ્ઠ સંચાલન કરો. તેથી ધ્યેય મુજબ ચોક્કસ દિશામાં કામ કરી પ્રગતિ કરી શકશો.

`એક સમયે એક કામ` નું સૂત્ર અપનાવો.

ઘણા લોકો એક સાથે ઘણા કામ કરતાં હોય છે. તેઓ માને છે કે સમયની બચત થાય છે. પરંતુ આમ કરવાથી કામની ગુણવતા ઘટે છે. કામ પૂરું થતાં વાર લાગે છે. કામમાં એકાગ્રતા ઘટે છે. `એક સમયે એક જ કામ` નું સૂત્ર અપનાવો. ઘણા કામ લઈ કામ પુરા ન કરવાથી તનાવ ઉત્પન્ન થાય છે. તેમજ નામ પણ ખરાબ થાય છે.

કામને વહેંચી નાખો.

કેટલાક લોકો પોતે જ બધા કામ કર્યે રાખે છે. બીજા પર વિશ્વાસ મૂકતા નથી. પરિણામે પેન્ડિંગ કામ વધી જાય છે.  કામ સમયસર પુરું કરી શકતા નથી. કામનું ભારણ વધી જાય છે. યોગ્ય વ્યક્તિને તેને લાયક કામની વહેંચણી કરતાં રહો. જેથી સમયસર કામ પુરું કરી શકાય.

આમ, સમયનો સદ્ઉપયોગ કરી સફળ થાઓ. કામમાં સંપૂર્ણતાને બદલે શ્રેષ્ઠતાને મહત્વ આપો. પરિવાર તથા મિત્રો  માટે પણ સમય ફાળવી, આનંદિત રહો.

પ્રેરકબિંદુ  :  સમય જીવન છે. સમયના બગાડને હું આત્મહત્યા કહું છું.  – જી ઝીયેનલિન

પોતાની ઈચ્છા સંતાન પર ન લાદો

    આજે અભ્યાસના અનેક વિકલ્પો ખૂલ્યા છે. ઉચ્ચ અભ્યાસ માટે જાગૃતિ આવી છે. પણ ક્યારેક વાલીઓ,
માતા-પિતા પોતાની ઈચ્છા પ્રમાણે જ સંતાન ભણે તેવો આગ્રહ રાખતા હોય છે. પરીક્ષાની મોસમ આવી ગઈ છે. જેમના બાળકો દસમા-બારમાની પરીક્ષા પાર કરી ગયા છે
, એવા કેટલાક માતા-પિતા છૂટી ગયા છે. તો કેટલાક માતા-પિતા સંતાનના અભ્યાસ માટે ટાઈમ ટેબલ પ્રમાણે બીજા કામને આગળ-પાછળ ગોઠવીને પરીક્ષાના દિવસોમાં બરાબર સમય આપી શકાય તેવી ગોઠવણ કરી રહ્યા છે.

    આજકાલ માતા-પિતાના જીવનમાં પરીક્ષાઓ એક જ ધોરણની બબ્બે વાર આવી રહી છે અને એક કરતાં વધારે બાળકો હોય તો તેટલી વધારે વાર પરીક્ષાના ચક્રમાંથી પસાર થવું પડે. કારણ કે એક વાર પોતે આપી હોય ત્યારે અને બીજી વાર પોતાના બાળકની હોય ત્યારે. પોતાની વખતે તો વધારે ખબર નહોતી પડતી. પરંતુ બાળકની પરીક્ષા વખતે શું વાંચવુ, કેટલું વાંચવુ, કેવી રીતે યાદ રાખવુ, કેવી રીતે વાંચવુ, જેવી બાબતોમાં માતા-પિતા સતત માથુ મારતા હોય છે.

    જૂની પેઢીના દાદા-દાદી કહેતા હોય છે કે પહેલાં આવું કોઈ ટેન્શન નહોતું. બાળક શેમાં ભણે છે, બાળકે કઈ લાઇન પસંદ કરવી કે કરી છે, તે પણ માતા-પિતાને ખબર નહોતી. પરંતુ આજે વાત કાંઈક જુદી છે. બાળક કરતાં માં-બાપ આની ગોઠવણ વધુ કરે છે. કઈ લાઈનમાં વધારે જલદીથી પૈસા મળશે કે ઉચ્ચ નોકરી મળશે તેની જ ગણતરી મંડાય છે. શેમાં મજા આવશે તે પ્રશ્ન
ગૌણ
હોય છે.

    થોડા વર્ષો પહેલાના મનોજને હું આજે ડૉ.મનોજ તરીકે ઓળખું છું. ભણવામાં હોશિયાર એવા મનોજની સ્કૂલના વિજ્ઞાનમેળામાં તેના પ્રયોગને હંમેશા પ્રથમ નંબર મળતો. તે હંમેશા કંઈક ને કંઈક બનાવતો જ હોય, કંઈક ખોલતો હોય અને કંઈક જોડતો હોય. આજુબાજુ ના લોકો પોતાના ઘરે કોઈપણ સાધન બગડે તો બધા મનોજને જ બોલાવે. મનોજ પાસે નાના-મોટા ઈલેક્ટ્રિકના સાધનો તથા અન્ય રીપેરીંગ નો સામાન રહેતો.

    કેટલાક વર્ષો પહેલાં આજની માફક આટલી બધી લાઈનો વિશે બહુ માહિતી નહોતી. લાઈનો ફકત બે જ કાં તો એન્જિનિયરિંગ કે મેડિકલ અને જેમને ઓછા માર્કસ આવે તે બી.એસ.સી. કરતા. મનોજના બારમા ધોરણમાં સારા માર્કસ આવ્યા,
તેની ઈચ્છાન્જિનિયરિંગમાં જવાની હતી. પરંતુ તેના માતા-પિતાને લાગ્યું કે મનોજે ડોક્ટર બનવું જોઈએ, કારણ કે તેના સમાજમાં બહુ ઓછા ડોક્ટર હતા. અને તેના કુટુંબમાં કોઈ ડોક્ટર નહોતું. મનોજ માતા-પિતાના આગ્રહ સામે કાંઈ બોલી શક્યો નહીં. એને મેડિકલ કોલેજ માં શરૂઆતમાં ખૂબ તકલીફ પડતી, પણ હોંશિયાર હોવાથી જરૂરી માર્કસ લાવીને પાસ થઈ ગયો. એ મનોજ આજે ડૉ.મનોજ થઈ ગયો પણ આગળ ભણવાનો વિચાર માંડી વાળ્યો.

    સમય જતાં મનોજની વાતમાં ન્જિનિયર ન થઈ શકવાનો રંજ દેખાયા કરતો હતો. એ આજે પણ તેના માં-બાપને આ માટે માફ કરી શકતો નથી. તે ખોટા સ્થાને હોય તેવું ફિલ કર્યા કરે છે. આજે તે કોમ્પ્યુટરમાં વધુ ખોવાયેલો રહે છે. તેમાં કંઈ નવું કરતો રહે છે. તેણે પોતાનો રસ્તો શોધી લીધો છે. પરંતુ આપણામાંના ઘણા હજી ભટકતાં હશે. જો કે એક વાત ડૉ.મનોજ નક્કી કરી છે કે તેના બાળકોનું ભવિષ્ય પોતે નક્કી નહીં કરે. તેમને માર્ગદર્શન આપશે,
જરૂરી માહિતી મેળવી આપશે,
બધા નિર્ણયમાં સાથે રહેશે. પરંતુ નિર્ણય બાળકને લેવા દેશે. 

પ્રેરક બિંદુ
: મુક્તપણે ખીલવું – એ છે સફળતાની મારી વ્યાખ્યા – ગેરી સ્પેન્સ

 


 

નામ : સંજયકુમાર કેશવભાઈ કોરિયા

Email : sanjay.koriya@yahoo.com,
Blog : https://sanjaykoriya.wordpress.com

અભ્યાસ : M.A. M.Ed. Ph.D. Continue….

લેખન ક્ષેત્ર : શૈક્ષણિક લેખો, પ્રેરણાત્મક લેખો.

કટાર લેખક : (1) શિક્ષણસુધા મેગેઝીન – રાજકોટ

પત્રકાર (પ્રતિનિધિ) :(1) સૂર્ય ની ખોજ સાપ્તાહિક – સુરેન્દ્રનગર

(2) પૂર્વ પત્રકાર (પ્રતિનિધિ) : સૌરાષ્ટ્ર-કચ્છ પ્રજાપતિ સમાચાર – રાજકોટ

માનદ્ સંપાદક : જીવંત શિક્ષણ સામયિક – બોટાદ

માનદ્ સહ સંપાદક : સંસ્કૃતિ દર્શન સામયિક – માણાવદર

પ્રકાશિત સાહિત્ય : લબ્ધપ્રતિષ્ઠિત સામયિકો, સાપ્તાહિકો, દૈનિકોમાં શૈક્ષણિક, પ્રેરણાત્મક લેખો પ્રકાશિત થયેલ છે.

પ્રકાશિત પુસ્તક : પ્રજાપતિ સાહિત્યિક પ્રતિભાઓ (સંપાદન પ્રજાપતિ સમાજમાં સૌ પ્રથમ)

આગામી પુસ્તક : લબ્ધપ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રકાશિત થયેલ પ્રેરણાત્મક નિબંધોનો સંગ્રહ –

સામાજિક પ્રવૃતિ : (1) વ્યસન મુક્તિ ઝુંબેશ
(2) મતદાન જાગૃતિ અભિયાન
(3) બેટી બચાવો અભિયાન

યુવારત્ન એવોર્ડ : શ્રી મોમાઈ એજ્યુકેશન ટ્રસ્ટ – જસદણ દ્વારા `યુવારત્ન’ એવોર્ડ માર્ચ – 2012 ના રોજ અપાયો.

ઉચ્ચ શિક્ષણ એવોર્ડ : શ્રી અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ – વડોદરા દ્વારા `ચંદ્રવદન મિસ્ત્રી ઉચ્ચ
શિક્ષણ એવોર્ડ’ 2012 માં અપાયો.

સન્માનપત્ર : શ્રી અખિલ સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ – તાલાળા દ્વારા જ્ઞાતિ શ્રેષ્ઠી નું
સન્માનપત્ર સપ્ટે. – 2012 ના રોજ અપાયું.

સદસ્ય : (1) ગુજરાતી લેખક મંડળ – અમદાવાદ
(2) અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ – વડોદરા
(3) ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ – અમદાવાદ
(4) ગુજરાત પ્રજાપતિ સમાજ – અમદાવાદ

શિક્ષકોએ વિકસાવવા જેવી કળા – વાંચન કળા

    સારું પુસ્તક શિક્ષક કે કોઈપણ વ્યક્તિ માટે સાચો મિત્ર છે. તે શિક્ષકનો પણ ગુરુ બની શકે છે. પુસ્ત એટલે ખોવાઈ જવાય તેવી વસ્તુ. પુસ્તક શિક્ષકો માટે રાહબર અને માર્ગદર્શક બને છે. વિદ્યાર્થીના વિકાસ માટે શિક્ષક વાંચનપ્રેમી હોય તે ખૂબ જ અગત્યની બાબત છે. તે વિદ્યાર્થી અને પોતાનો પણ વિકાસ કરી શકે તેવું સક્ષમ પાત્ર છે.

    શિક્ષકનું વાંચન ગુણવતાસભર હશે તો તેનામાં સદવિચારો આવશે. નૈતિક મૂલ્યોનું ધોરણ ઊંચું લાવી શકશે. અધ:પતન તરફ જતો બચાવી શકાશે. બાળકોને જે તે વિષય સમજાવવા માટે અનેક ઉદાહરણો, ઊંડાપૂર્વકનું જ્ઞાન પીરસી શકશે. મુદ્દો રસપ્રદ બનાવી શિક્ષણકાર્ય અસરકારક બનાવશે.

    પુસ્તક વાંચનને લીધે શિક્ષકમાં હકારાત્મક વલણ વિકસશે. વિવિધ સ્પર્ધાઓ જેવી કે નિબંધ-સ્પર્ધા, ગ્રુપ ડિસ્કશન,વકૃત્વ સ્પર્ધા વગેરેમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરૂ પાડી શાળા અને વિદ્યાર્થીઓમાં પ્રિય બની જશે. બાળક સાથેના શિક્ષણમાં તે રંગ પૂરી શકે છે.

    શિક્ષક સમજીને વાંચે, વિચારે અને રસપૂર્વક પોતાના જીવનમાં ઉતારે તો બાળકના જીવન માટે તે પ્રેરણામૂર્તિ બની શકે. બાળકો તેને ખુબ જ આદરથી જોતાં થઈ જશે. પુસ્તક ખરેખર જીવનસાથી છે. એકલતામાં પણ સાથ આપે છે, પ્રફુલ્લિત રાખે છે. જીવનના સંઘર્ષોમાં હતાશ થતો બચી જશે. જિંદગીની કઠિનાઈઓ સમજી સહન કરવાની શક્તિ અને આત્મવિશ્વાસ કેળવશે. માનવ મનના પોષણની સામગ્રી પૂરી પાડે છે. આમ, પુસ્તકો શિક્ષકનો મુખ્ય આધાર બની શકે છે.

     જીવનમાં ઘણી સારી ટેવો વિકસાવવા આપણે પ્રયત્નો કરીએ છીએ. પરંતુ તેની સાથે શિક્ષકોએ ખાસ વિકસાવવા જેવી કળા હોય તો તે વાંચન કળા છે. સતત નવું-નવું વાંચવાની ટેવ પાડવા સક્રીય પ્રયત્નો કરવા જોઈએ. વાંચન માત્ર વાંચવા માટે જ નહીં પરંતુ જીવનમાં ઉતારવા, જીવવા માટે હોય છે. વિદ્યાર્થીઓના સર્વાઁગી વિકાસ માટે તેનું વાંચન કૌશલ્ય વધારી શકાય છે.

    વિષય શિક્ષક તરીકે આપણી પાસે જે તે વિષયનું ઊંડું અને વિસ્તૃત જ્ઞાન જરૂરી છે. પોતાના વિષયમાં પ્રભુત્વ મેળવવા વિષયને લગતા સંદર્ભગ્રથો, મેગેઝિનો, વેબસાઈટસ વગેરે માંથી નવી માહિતી વિષે સતત વાંચતા અને વિચારતા રહેવું પડશે. વાંચી, વિચારી, ચિંતન કરે તો શ્રેષ્ઠ શિક્ષક બની શકે છે. આ સદી જ્ઞાન ની સદી છે. દરરોજ અવનવું વાંચન કરી જ્ઞાનમાં
સતત વધારો નહીં કરો તો આજના યુગ માં ટકી રહેવું ખૂબ જ મુશ્કેલ છે. તે વિદ્યાર્થીઓને પણ સંતોષકારક રીતે ભણાવી શકશે નહીં. વર્તમાનપ્રવાહો, ટેકનૉલોજિથી શિક્ષકે સતત માહિતગાર રહેવું ડે છે. તે માટે વિવિધ ક્ષેત્રોના પુસ્તકો વાંચવા સિવાય કોઈ વિકલ્પ નથી.

    વાંચન કૌશલ્ય વિકસાવવા માટે શાળામાં, ગામમાંના પુસ્તકાલયોમાંથી રસ કે વિષય ને અનુરૂપ પુસ્તકો લઈને વાંચવા લાગી જાવ. દરરોજના પ્રવાહોથી વાકેફ થવા માટે વર્તમાનપત્રો, સામયિકો, ઇન્ટરનેટ, E-books માંથી નવું-નવું જ્ઞાન પ્રાપ્ત કરતાં જાવ. વિદ્યાર્થીઓને પણ આવું કૌશલ્ય વિકસે તેવું માર્ગદર્શન આપતા રહો. જરૂર લાગે તે કટિંગ કરી ફાઇલ બનાવો. ખરેખર, આજનો શિક્ષક વાંચન પ્રત્યે જાગૃત થાય તે ખૂબ જ જરૂરી છે. આજકાલ ટી.વી.ની દુનિયાને લીધે પુસ્તકોમાંથી રસ ઓછો થઈ રહ્યો છે. પરંતુ આપણે હવે જાગી જવાનો સમય આવી ગયો છે. આજનો શિક્ષક પુસ્તક-પ્રેમ જગાડે અને દેશના ઘડતરમાં પોતે એક ભાગ બની, પોતાની શક્તિઓને જગાડે તે જ અભ્યર્થના.

પ્રેરકબિંદુ :
જેઓ વાંચતાં નથી, તેઓ એવા લોકોથી જરાય ચડિયાતા નથી, જેઓ વાંચી શકતા નથી.

                                           –માર્ક ટ્વે